નાગરિકત્વના નિયમોમાં મોટો ફેરફાર
કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. Citizenship (Third Amendment) Rules, 2026 હેઠળ ગુજરાત સહિત 6 રાજ્યો અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં Section 6B હેઠળની કેટલીક નાગરિકત્વ અરજીઓ માટે સંબંધિત Collectorને સક્ષમ સત્તા બનાવવામાં આવ્યા છે. નવા નિયમો 19 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યા છે.
કયા રાજ્યો અને UTમાં લાગુ પડશે?
નવા નિયમો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સામાન્ય રીતે રહેતા પાત્ર અરજદારો માટે લાગુ પડે છે. આસામ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોને આ જોગવાઈમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
કલેક્ટરને શું સત્તા મળી?
નવા નિયમ મુજબ પાત્ર અરજદારે Section 6B હેઠળ નોંધણી અથવા નેચરલાઈઝેશન માટેની અરજી ઈલેક્ટ્રોનિક સ્વરૂપે સંબંધિત Collectorને કરવાની રહેશે. Collector દસ્તાવેજોની ચકાસણી કરશે, જરૂરી તપાસ કરી શકશે અને અરજદારની યોગ્યતા અંગે સંતોષ થયા બાદ નાગરિકત્વ મંજૂર કરી શકશે.
અહીં એક મહત્વની બાબત એ છે કે નિયમોમાં ‘Collector’ શબ્દનો ઉપયોગ થયો છે. Citizenship Rules, 2009ની વ્યાખ્યા મુજબ Collectorમાં, જ્યાં તે રીતે કામગીરી કરે છે ત્યાં, Deputy Commissioner અથવા District Magistrateનો પણ સમાવેશ થાય છે. તેથી સામાન્ય ભાષામાં તેને DMની સત્તા તરીકે પણ સમજાવવામાં આવે છે.
રૂબરૂ હાજરી નહીં આપો તો અરજી રિજેક્ટ થઈ શકે
નવા નિયમોમાં અરજદારની વ્યક્તિગત હાજરીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. અરજી પર સહી કરવા અને Oath of Allegiance લેવા માટે યોગ્ય તક આપવામાં છતાં અરજદાર રૂબરૂ હાજર ન થાય, તો Collector અરજી નકારી શકે છે.
જૂની અરજીઓનું શું થશે?
અગાઉની વ્યવસ્થામાં સશક્ત સમિતિ અથવા જિલ્લા સ્તરની સમિતિ સમક્ષ પડતર રહેલી સંબંધિત અરજીઓને નવા નિયમો અનુસાર સંબંધિત Collectorને ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે આવી અરજીઓની પ્રક્રિયા હવે નવા માળખા હેઠળ આગળ વધશે.
એક મહત્વની સ્પષ્ટતા
આ નિયમનો અર્થ એ નથી કે ગુજરાતના દરેક DM કોઈપણ વિદેશી વ્યક્તિને પોતાની મરજીથી ભારતીય નાગરિકત્વ આપી શકશે. આ સત્તા ખાસ કરીને Citizenship Actની Section 6B હેઠળ પાત્ર અરજદારો માટેની પ્રક્રિયા સાથે સંબંધિત છે. અરજદારની પાત્રતા, દસ્તાવેજો અને જરૂરી તપાસ બાદ જ નિર્ણય લઈ શકાય છે.

