PM મોદી સાથે મુલાકાતથી રાજકીય અટકળો તેજ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસની દિલ્હી મુલાકાતે રાજ્યના રાજકારણમાં ફરી ચર્ચા જગાવી છે. ફડણવિસે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ફડણવિસને મહારાષ્ટ્રના CM પદેથી હટાવીને કેન્દ્રમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તેવી અટકળોએ ફરી જોર પકડ્યું હતું. જોકે, ફડણવિસે પોતે જ આ ચર્ચાઓને ફગાવી દીધી છે.

‘મહારાષ્ટ્રની જવાબદારી નિષ્ઠાથી નિભાવતો રહીશ’

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ફડણવિસે કહ્યું કે તેમને મહારાષ્ટ્રની જનતાએ ચૂંટીને મોકલ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રાજ્યની જવાબદારી સોંપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ મહારાષ્ટ્રમાં જ રહેશે અને રાજ્યની જવાબદારી નિષ્ઠાથી નિભાવતા રહેશે. ફડણવિસે રાજકીય અટકળો પર કટાક્ષ કરતા કહ્યું કે જેને જેટલી અટકળો લગાવવી હોય કે અફવા ફેલાવવી હોય તે ફેલાવે.

PM મોદી સાથે શું ચર્ચા થઈ?

ફડણવિસે જણાવ્યું કે PM મોદી સાથેની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હતી. રાજ્યમાં કેન્દ્રના સહયોગથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને આગામી યોજનાઓ અંગે પણ વાતચીત થઈ હતી. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી મહારાષ્ટ્રના મહત્વના પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપવા સહકારની માંગ કરી હતી.

મેટ્રો, રેલવે અને અન્ય પ્રોજેક્ટ્સ પર ચર્ચા

દિલ્હી મુલાકાત દરમિયાન મુંબઈ મેટ્રો, રેલવે, એરપોર્ટ, બંદરો, રસ્તાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. ફડણવિસે વડાપ્રધાન મોદીને પુણે મેટ્રો-3ના ઉદ્ઘાટન માટે પણ આમંત્રણ આપ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

નિર્મલા સીતારમણ અને ભૂપેન્દ્ર યાદવ સાથે પણ મુલાકાત

ફડણવિસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મહારાષ્ટ્રના વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સંજય રાઉતના નિવેદનથી ફરી ગરમાઈ હતી ચર્ચા

ફડણવિસને કેન્દ્રમાં લઈ જવાની અટકળો અગાઉ પણ ચાલી હતી. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ફડણવિસને કેન્દ્રમાં જવાબદારી મળવાની શક્યતા અંગે નિવેદનો આપ્યા હતા. તાજેતરમાં પણ રાઉતે દાવો કર્યો કે દિલ્હીને ફડણવિસની જરૂર છે અને સંભવિત કેબિનેટ ફેરબદલને લઈને ચર્ચાઓ થઈ રહી શકે છે. જોકે, આ રાજકીય દાવાઓને ફડણવિસે નકારી દીધા છે.

હાલ CM પદ છોડવાની અટકળો પર ફડણવિસનું સ્પષ્ટ વલણ

હાલની સ્થિતિમાં ફડણવિસે CM પદ છોડીને કેન્દ્રમાં જવાની અટકળોને સ્પષ્ટ રીતે ફગાવી છે. તેમની દિલ્હી મુલાકાતનું મુખ્ય કારણ મહારાષ્ટ્રના વિકાસ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારનું સહયોગ મેળવવાનું હોવાનું તેમણે જણાવ્યું છે. જોકે, દિલ્હીની રાજકીય મુલાકાતને પગલે શરૂ થયેલી ચર્ચાઓ આગામી દિવસોમાં પણ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહેવાની શક્યતા છે.