57 બોલમાં સદીનો ધમાકો

મહિલા એશિયા કપ 2026માં ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ હોંગકોંગ સામે એવી શાનદાર બેટિંગ કરી કે એકસાથે અનેક રેકોર્ડ તૂટી ગયા. મંધાનાએ 57 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 64 બોલમાં 124 રનની તોફાની ઇનિંગ રમી. તેમની આ ઇનિંગમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થયો હતો.

મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

આ સદી સાથે મંધાનાની આંતરરાષ્ટ્રીય સદીઓની સંખ્યા 18 થઈ ગઈ છે. આ સાથે તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારી બેટર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ અને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ્ટને પાછળ છોડી છે, બંનેના નામે 17 આંતરરાષ્ટ્રીય સદી હતી.

મિતાલી રાજનો મોટો રેકોર્ડ પણ તોડ્યો

મંધાનાએ પોતાની આ ઇનિંગ દરમિયાન મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેમણે મિતાલી રાજના 10,868 રનના આંકડાને પાછળ છોડીને કુલ 10,880 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા. આ સાથે મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે.

એશિયા કપમાં પણ નવો રેકોર્ડ

મંધાનાની 124 રનની ઇનિંગ મહિલા T20 એશિયા કપના ઇતિહાસમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ બની છે. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાની ચમારી અટાપટ્ટુના નામે હતો, જેણે 2024માં મલેશિયા સામે 119 રન બનાવ્યા હતા. મંધાનાએ આ રેકોર્ડને પણ તોડી નાખ્યો.

50 બાદ બદલ્યો ગિયર

દુબઈમાં શરૂઆતમાં મંધાનાએ સંભાળીને બેટિંગ કરી હતી અને 40 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેમણે ગિયર બદલ્યો અને માત્ર 17 બોલમાં સદી સુધી પહોંચી ગઈ. શેફાલી વર્માએ 17 બોલમાં 28 રનની ઝડપી ઇનિંગ રમી હતી. મંધાનાની 124 રનની શાનદાર ઇનિંગના આધારે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવ્યા.