ભારત સરકારનો ‘ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (E20)’ કાર્યક્રમ દેશની ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આવક અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે સામે આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષ 2014-15થી મે 2026 સુધીના સમયગાળામાં ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે દેશમાં વિદેશી કાચા તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને મોટી માત્રામાં વિદેશી મુદ્રાની બચત થઈ છે.
સરકારી આંકડા અનુસાર, આ કાર્યક્રમથી અત્યાર સુધીમાં ₹1.90 લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ છે. આ સમયગાળા દરમિયાન આશરે 310 લાખ મેટ્રિક ટન કાચા તેલના સ્થાને દેશમાં ઉત્પાદિત ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત હજુ પણ પોતાની જરૂરિયાતનું લગભગ 88.5 ટકા કાચું તેલ આયાત કરે છે, તેથી સરકાર આ કાર્યક્રમને ઊર્જા આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ માને છે.
આ યોજનાનો સૌથી મોટો સીધો લાભ ખેડૂતોને મળ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. શેરડી, મકાઈ અને તૂટેલા ચોખામાંથી બનતા ઇથેનોલના ઉત્પાદનને કારણે ખેડૂતોને અંદાજે ₹1.6 લાખ કરોડથી વધુની વધારાની આવક મળી છે. જેના કારણે કૃષિ ક્ષેત્રમાં આવકના નવા સ્ત્રોત ઉભા થયા છે.
પર્યાવરણના દૃષ્ટિકોણથી પણ આ યોજના અસરકારક સાબિત થઈ છે. પેટ્રોલમાં ઇથેનોલના વધતા ઉપયોગથી દેશમાં અંદાજે 930 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે. સરકારનું માનવું છે કે E20 કાર્યક્રમ ઊર્જા સુરક્ષા, સ્વચ્છ ઈંધણ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

