શિક્ષણ વ્યવસ્થાનો ચોંકાવનારો ચહેરો
દેશમાં શિક્ષણ સુધારાની ચર્ચા, પેપરલીક વિવાદ અને ભરતી પ્રક્રિયા વચ્ચે સંસદમાં એક એવી માહિતી સામે આવી છે જે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં 1,00,843 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક આખી શાળાનો ભાર સંભાળી રહ્યો છે. બીજી તરફ અનેક રાજ્યોમાં શિક્ષકોની લાખો જગ્યાઓ હજુ પણ ખાલી છે.
સૌથી વધુ અસર આ રાજ્યોમાં
સંસદમાં શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે એક જ શિક્ષકના સહારે ચાલતી શાળાઓમાં આંધ્ર પ્રદેશ સૌથી આગળ છે, જ્યાં 16,357 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. ત્યારબાદ ઝારખંડ (9,827), મહારાષ્ટ્ર (9,269), કર્ણાટક (8,042), ઉત્તર પ્રદેશ (7,874), રાજસ્થાન (7,200) અને પશ્ચિમ બંગાળ (6,769)નો સમાવેશ થાય છે. માત્ર આ સાત રાજ્યોમાં જ દેશની લગભગ 65 ટકા સિંગલ ટીચર શાળાઓ આવેલી છે.
ખાલી જગ્યાઓ હજુ પણ મોટો પડકાર
શિક્ષકોની ભરતી છતાં અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. ઉપલબ્ધ આંકડા મુજબ બિહારમાં 2.77 લાખથી વધુ, ઝારખંડમાં 99 હજારથી વધુ, પશ્ચિમ બંગાળમાં 77 હજારથી વધુ, ઉત્તર પ્રદેશમાં 77 હજારથી વધુ, મધ્ય પ્રદેશમાં 52 હજારથી વધુ અને કર્ણાટકમાં 38 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારનું કહેવું છે કે દર વર્ષે નિવૃત્ત થતા શિક્ષકોની સામે 50થી 60 હજાર નવી ભરતી કરવામાં આવે છે, છતાં અનેક વિસ્તારોમાં અછત યથાવત છે.
શિક્ષક છે પરંતુ વિદ્યાર્થી નથી
આંકડાઓમાં બીજી એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. દેશભરમાં 7,993 શાળાઓ એવી છે જ્યાં શિક્ષક તો છે પરંતુ એકપણ વિદ્યાર્થી નથી. તેમાં પશ્ચિમ બંગાળમાં 3,812 અને તેલંગાણામાં 2,245 શાળાઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિ શિક્ષણના આયોજન અને સંસાધનોના યોગ્ય ઉપયોગ અંગે પણ પ્રશ્નો ઉભા કરે છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ સામે મોટો પ્રશ્ન
શિક્ષણ મંત્રાલય મુજબ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધી શિક્ષક-વિદ્યાર્થીનો નક્કી કરાયેલો સરેરાશ રેશિયો છે, પરંતુ અનેક જગ્યાએ શિક્ષકોની અછતને કારણે આ ધોરણ જાળવી શકાતું નથી. સાથે જ શિક્ષકોને ચૂંટણી, સર્વે અને અન્ય વહીવટી કામગીરીમાં જોડાતા શિક્ષણનો કિંમતી સમય પણ પ્રભાવિત થાય છે. પરિણામે ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા સામે હવે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

