શિક્ષણ મંત્રાલયની જવાબદારી હવે પ્રહલાદ જોશી પાસે

કેન્દ્ર સરકારમાં મહત્વની જવાબદારી સંભાળતા પ્રહલાદ જોશીને હવે શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રહલાદ જોશી હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી તેમજ નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

શું છે તેમની શૈક્ષણિક લાયકાત?

પ્રહલાદ જોશીનો જન્મ 27 નવેમ્બર, 1962ના રોજ કર્ણાટકના બીજાપુરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ રેલવે સ્કૂલમાં અને માધ્યમિક શિક્ષણ હુબલીની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ તેમણે હુબલીની શ્રી કાડસિદ્ધેશ્વર આર્ટ્સ કોલેજમાંથી સ્નાતક (Graduate)ની ડિગ્રી મેળવી હતી.

WhatsApp Image 2026-07-30 at 12.37.29 AM.jpeg

પરિવાર અને રાજકીય સફર

તેમના પિતા વેંકટેશ જોશી ભારતીય રેલવેમાં કર્મચારી હતા અને માતાનું નામ માલતીબાઈ જોશી છે. પ્રહલાદ જોશી તેમના માતા-પિતાના ત્રીજા સંતાન છે. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં તેઓ વ્યવસાય સાથે જોડાયેલા હતા. 1992થી 1994 દરમિયાન હુબલીમાં ત્રિરંગા અભિયાન અને ત્યારબાદ "કાશ્મીર બચાવો" ચળવળ દ્વારા તેઓ જાહેર જીવનમાં ચર્ચામાં આવ્યા હતા.

2004થી સતત લોકસભા સાંસદ

પ્રહલાદ જોશીએ વર્ષ 2004માં પ્રથમ વખત ધારવાડ લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારથી તેઓ સતત લોકસભામાં ચૂંટાઈ રહ્યા છે અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. હવે શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો મળતા તેમની સામે દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને મહત્વના પડકારો રહેશે.