BRICSમાં મોટો નાણાકીય ફેરફાર

વિશ્વ વેપારમાં ડૉલરના વર્ચસ્વ વચ્ચે BRICS દેશો વચ્ચે નેશનલ કરન્સીમાં પેમેન્ટનો હિસ્સો સતત વધી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે BRICS દેશો સાથે રશિયાના આશરે 90 ટકા પેમેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન નેશનલ કરન્સીમાં થઈ રહ્યા છે. આ નિવેદન BRICS સમિટ પહેલાં આવ્યું છે, જ્યાં ભારત યજમાન દેશ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

ડૉલરને ખતમ કરવાનો દાવો નહીં

પેસ્કોવે સ્પષ્ટ કર્યું કે રશિયાનો ઉદ્દેશ્ય ડૉલરને સંપૂર્ણપણે દૂર કરવાનો નથી. તેમના જણાવ્યા મુજબ રશિયા તમામ સ્વીકાર્ય પેમેન્ટ પદ્ધતિઓ માટે ખુલ્લું છે. જોકે, કેટલાક દેશો પોતાની કરન્સીનો ઉપયોગ રાજકીય દબાણના સાધન તરીકે કરતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આવી સ્થિતિમાં રશિયા અને તેના ભાગીદારો પોતાના રાષ્ટ્રીય ચલણમાં વ્યવહારો વધારી રહ્યા છે.

ભારતના નેતૃત્વની રશિયાએ કરી પ્રશંસા

BRICSમાં ભારતની ભૂમિકા અંગે રશિયાએ સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો છે. પેસ્કોવે BRICS સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ભારતના નેતૃત્વ હેઠળ થયેલા પ્રયાસોની પ્રશંસા કરી છે. આગામી BRICS સમિટ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની છે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમાં ભાગ લેશે.

ભારત-રશિયા વેપારમાં પણ નેશનલ કરન્સીનો ઉપયોગ

ભારત અને રશિયા વચ્ચે પણ રાષ્ટ્રીય ચલણ આધારિત પેમેન્ટ સિસ્ટમ મજબૂત થઈ રહી છે. તાજેતરના અહેવાલ અનુસાર રશિયા-ભારતના દ્વિપક્ષીય વેપારમાં રૂબલ અને રૂપિયાનો ઉપયોગ કરતી પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે લગભગ 96% દ્વિપક્ષીય વેપારને સુવિધા આપે છે.

BRICSમાં આર્થિક સહયોગ બન્યો કેન્દ્ર

BRICSમાં આર્થિક અને નાણાકીય સહયોગ મહત્વનો એજન્ડા બની રહ્યો છે. નેશનલ કરન્સીમાં વેપાર, ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ અને નાણાકીય સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. જોકે, એક સામાન્ય BRICS કરન્સી બનાવવાના બદલે અલગ-અલગ દેશોની નેશનલ કરન્સીમાં વ્યવહાર વધારવાનો અભિગમ વધુ વ્યવહારુ દેખાઈ રહ્યો છે.