ભારતીય ક્રિકેટના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીની બીજી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યાદગાર ડેબ્યૂ કર્યું. માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે મેદાનમાં ઉતરી તેણે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં પોતાનું નામ નોંધાવ્યું.

ડેબ્યૂ મેચમાં વૈભવે 14 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, જેમાં બે આકર્ષક સિક્સર સામેલ હતા. ભલે તેની ઇનિંગ્સ લાંબી રહી ન હોય, પરંતુ આત્મવિશ્વાસભર્યા શોટ્સે ક્રિકેટપ્રેમીઓ અને નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું. મેચ બાદ તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડેબ્યૂ કેપ સાથેનો ફોટો શેર કરીને ભાવુક સંદેશ લખ્યો.

VAIBHAV .png

પોસ્ટમાં વૈભવે લખ્યું કે, "અમે બધાએ સાથે મળીને જે સપનું જોયું હતું, આજે તે જીવી રહ્યો છું. મારા જીવનના દરેક ઉતાર-ચઢાવમાં જે લોકોએ મારો સાથ આપ્યો, તેઓનો દિલથી આભાર." ઉપરાંત તેણે સ્ટોરીમાં ડેબ્યૂ કેપ મેળવવાનો વીડિયો શેર કરીને શુભેચ્છા પાઠવનારા ચાહકો, વરિષ્ઠ ખેલાડીઓ અને સમર્થકોનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો.

હવે ક્રિકેટપ્રેમીઓની નજર ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી ટી20 મેચ પર રહેશે. ડેબ્યૂમાં પોતાની પ્રતિભાની ઝલક બતાવનાર વૈભવ સૂર્યવંશી આગામી મુકાબલામાં વધુ મોટી ઇનિંગ્સ રમીને પોતાની છાપ વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.