BRICSના મંચ પર ભારતની નવી તાકાત
એક દાયકાથી વધુ સમયની સફરમાં ભારતની આર્થિક અને વૈશ્વિક સ્થિતિમાં મોટો પરિવર્તન આવ્યો છે. 2012માં BRICS સમિટની યજમાની કરનાર ભારત હવે 2026માં ફરી આ સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે અને 12-13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં 18મી BRICS સમિટનું આયોજન કરી રહ્યું છે. આજે ભારતને માત્ર BRICSના સભ્ય દેશ તરીકે નહીં, પરંતુ વૈશ્વિક દક્ષિણના મહત્વના આર્થિક અને વ્યૂહાત્મક અવાજ તરીકે જોવામાં આવી રહ્યું છે.
2012થી 2026 સુધી મોટો બદલાવ
2012ના સમયગાળામાં ભારતની અર્થવ્યવસ્થા વિકાસની ધીમી ગતિ, મોંઘવારી અને રૂપિયાની નબળાઈ જેવા પડકારોનો સામનો કરી રહી હતી. વૈશ્વિક સ્તરે પણ ભારતીય અર્થતંત્રની સ્થિરતા અંગે ચર્ચા થતી હતી. આજે સ્થિતિ અલગ છે. ભારતની અર્થવ્યવસ્થાએ સતત વૃદ્ધિ જાળવી છે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ પોતાની સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.
7.8% GDP ગ્રોથથી મજબૂત સંકેત
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે 7.8% રિયલ GDP ગ્રોથ નોંધાવી છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર આ સમયગાળામાં રિયલ GVAમાં પણ 8.2% વૃદ્ધિ નોંધાઈ હતી. આ વૃદ્ધિ મેન્યુફેક્ચરિંગ, સર્વિસિસ અને સ્થાનિક માંગના મજબૂત આધાર સાથે આવી છે.
ક્રેડિટ રેટિંગમાં પણ સુધારો
ભારતની આર્થિક સ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સકારાત્મક સંકેતો મળ્યા છે. જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ સપ્ટેમ્બર 2026માં ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ BBB+થી વધારીને A- કર્યું છે, જ્યારે આઉટલુક સ્ટેબલ રાખ્યો છે. JCRએ મજબૂત આર્થિક વૃદ્ધિ, નાણાકીય વ્યવસ્થાની મજબૂતી અને સુધરેલી રાજકોષીય સ્થિતિને અપગ્રેડના કારણોમાં ગણાવ્યા છે.
દિલ્હીમાં વિશ્વના દિગ્ગજ નેતાઓ
ભારતની વધતી આર્થિક ભૂમિકા સાથે તેની કૂટનીતિક સ્થિતિ પણ ચર્ચામાં છે. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત અનેક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. UAE તરફથી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.
BRICSમાં ભારતનું વધતું મહત્વ
હાલના BRICSમાં 11 પૂર્ણ સભ્ય દેશો છે અને આ સમૂહ વૈશ્વિક વસ્તીના આશરે 49.5 ટકા, વૈશ્વિક GDPના 40 ટકા અને વૈશ્વિક વેપારના 26 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની 2026ની અધ્યક્ષતાનો ફોકસ ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ પર છે. આથી ભારત આર્થિક સહયોગ ઉપરાંત નવીનતા, ટકાઉ વિકાસ અને વૈશ્વિક દક્ષિણના મુદ્દાઓને પણ આગળ ધપાવી રહ્યું છે.
‘સુધારાની જરૂરિયાત’થી ‘ગ્રોથ એન્જિન’ સુધી
ભારતની સફર માત્ર GDPના આંકડા પૂરતી મર્યાદિત નથી. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, UPI, મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી અને સેવાઓ જેવા ક્ષેત્રોમાં ભારતે પોતાની ક્ષમતા વધારી છે. BRICS હવે માત્ર આર્થિક સહયોગનું મંચ નથી રહ્યું; તે વૈશ્વિક વ્યવસ્થામાં ઉભરતી શક્તિઓ માટે મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. આ બદલાતા પરિપ્રેક્ષ્યમાં ભારત પોતાની આર્થિક તાકાત અને વ્યૂહાત્મક સ્વાયત્તતાના આધારે BRICSમાં વધુ મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે.

