પંચમહાલમાં વધુ એક શંકાસ્પદ મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મણિપુર ગામના મહુડી ફળિયામાં રહેતા એક વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ લઈ જવાના માર્ગમાં જ બાળકનું દુઃખદ અવસાન થયું હતું.
રિપોર્ટ બાદ જ થશે પુષ્ટિ
જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના બે કેસ પોઝિટિવ નોંધાયા છે. જોકે આ બાળકના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. આરોગ્ય વિભાગે મૃત બાળકના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે અને લેબોરેટરીના રિપોર્ટ બાદ જ મોત ચાંદીપુરા વાયરસથી થયું કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે.
સેન્ડફ્લાય સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી
વાયરસના સંક્રમણને રોકવા માટે પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગે વ્યાપક સર્વેલન્સ શરૂ કર્યું છે. 300થી વધુ સેન્ડફ્લાય પકડી લેવામાં આવી છે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ, ફોગિંગ અને કાચા-પાકા મકાનોની દિવાલોની તિરાડો પૂરવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. બાળકોમાં તાવ, ખેંચ આવવી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસથી ચિંતા
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 9 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આમાંથી પાંચ બાળકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જોકે આ તમામ કેસોમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થયેલી નથી. બે બાળકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે.
અરવલ્લીની બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલાયા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ત્રણ વર્ષીય બાળકીમાં પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગ કેસને શંકાસ્પદ માનીને તમામ જરૂરી તકેદારી રાખી રહ્યું છે.
સમજીએ: ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (Sandfly) દ્વારા ફેલાતો વાયરસ છે. ખાસ કરીને નાના બાળકોમાં તેનો જોખમ વધુ રહે છે. તાવ, ઉલટી, ખેંચ આવવી, બેભાન થવું અથવા મગજ પર અસર જેવા લક્ષણો જોવા મળે તો તરત સારવાર લેવી જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ કેસમાં લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ શકે છે.

