આંદોલન ઉગ્ર બને તે પહેલાં સરકાર એક્ટિવ!
બિહારમાં શિક્ષક ભરતીની માંગને લઈને વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે સરકાર અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પટનાના ગર્દનીબાગમાં વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ પર બેઠાના થોડા જ કલાકોમાં બિહાર જાહેર સેવા આયોગ (BPSC)એ TRE-4.0 માટે 32,388 શિક્ષકની ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
32,388 જગ્યાઓ પર બમ્પર ભરતી
BPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર ચોથા તબક્કાની શાળા શિક્ષક ભરતી પરીક્ષા હેઠળ કુલ 32,388 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની જગ્યાઓનો સમાવેશ થાય છે.
અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે અને ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકશે.
ગર્દનીબાગમાં વિદ્યાર્થીઓનું આંદોલન
મંગળવારે 18 ઓગસ્ટે પટનાના ગર્દનીબાગમાં મોટી સંખ્યામાં ઉમેદવારો અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા હતા. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ હતી કે શિક્ષક ભરતીનું નોટિફિકેશન તાત્કાલિક જાહેર કરવામાં આવે.
વિદ્યાર્થીઓએ સરકારને ચેતવણી પણ આપી હતી કે જો પાંચ દિવસમાં નોટિફિકેશન જાહેર નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.
આંદોલન વચ્ચે નોટિફિકેશન જાહેર
વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલાં જ BPSC દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આ નિર્ણયનું ચિરાગ પાસવાન સહિત કેટલાક નેતાઓએ પણ સ્વાગત કર્યું છે.
જોકે, નોટિફિકેશન જાહેર થયા બાદ પણ આંદોલનકારી વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ હજુ પૂરી થઈ નથી.
વિદ્યાર્થીઓની અન્ય માંગણીઓ શું?
વિદ્યાર્થીઓએ માત્ર ભરતીનું નોટિફિકેશન જ નહીં પરંતુ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા સહિતની અન્ય માંગણીઓ પણ ઉઠાવી છે.
તેમની માંગણીઓમાં સિંગલ ફેઝ પરીક્ષા, BSSCમાં કોન્ટ્રાક્ટ વેઇટેજ દૂર કરવું અને લાંબા સમયથી અટવાયેલી લાઇબ્રેરિયન ભરતી શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે.
હવે આગળ શું?
32,388 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર થતાં ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો માર્ગ ખુલ્યો છે. હવે 1 સપ્ટેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ ઉમેદવારોની નજર પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા પર રહેશે.

