આંધ્ર પ્રદેશને મળ્યું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લામાં આવેલા ભોગાપુરમ અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે લગભગ ₹18,000 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો. વડાપ્રધાને આ પ્રોજેક્ટ્સને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા.
એરપોર્ટના નામને લઈને વિપક્ષ પર પ્રહાર
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ એરપોર્ટના નામના મુદ્દે વિપક્ષ પર આડકતરો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે અગાઉ ઘણા એરપોર્ટના નામ એક જ પરિવાર સાથે જોડાયેલા હતા, જ્યારે હાલની સરકાર દેશના વિવિધ મહાનુભાવોના નામે એરપોર્ટનું નામકરણ કરીને તેમને યોગ્ય સન્માન આપી રહી છે. તેમણે વાલ્મીકી, સંત રવિદાસ અને અલ્લૂરી સીતારામ રાજૂ જેવા મહાનુભાવોના નામનો ઉલ્લેખ કર્યો.
નાયડૂના વિઝનની કરી પ્રશંસા
વડાપ્રધાને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂના વિકાસલક્ષી વિઝનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાંસ્કૃતિક વારસાને સાથે આગળ વધારવાનો પ્રયાસ રાજ્યના વિકાસને નવી દિશા આપશે.
દેશમાં એરપોર્ટની સંખ્યામાં વધારો
પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2014માં દેશમાં માત્ર 74 કાર્યરત એરપોર્ટ હતા, જ્યારે હવે તેમની સંખ્યા વધીને 166 થઈ છે. તેમણે 'ઉડાન' યોજનાના નવા તબક્કાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવાઈ સેવા હવે સામાન્ય લોકો સુધી વધુ ઝડપથી પહોંચી રહી છે.

