33 હજાર ફૂટે સર્જાઈ હતી ગંભીર ઘટના
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 33 હજાર ફૂટની ઊંચાઈએ ગંભીર ઘટના સર્જાઈ હતી. કોકપિટમાં બનેલી ઘટનામાં ભારતીય પાયલટ સ્મિત મચ્છર ઘાયલ થયા હોવા છતાં વિમાનને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફ્લાઈટને બાદમાં સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરવામાં આવી હતી.
ઘાયલ પાયલટે સંભાળી વિમાનની કમાન
30 સપ્ટેમ્બરે ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલ અવીલ જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, ઉડાન દરમિયાન કોકપિટમાં બંને પાયલટો વચ્ચે હિંસક ઘટના બની હતી, જેમાં કેપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થયા હતા. આ દરમિયાન વિમાન ઊંચાઈ ગુમાવી રહ્યું હતું અને મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે પરિસ્થિતિને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મુસાફરો અને ક્રૂએ પણ સંભાળી સ્થિતિ
કોકપિટનો દરવાજો ખુલ્યા બાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને અંદર પહોંચવાની તક મળી હતી. વિમાનમાં હાજર બે ઓફ ડ્યુટી પાયલટોએ પણ ફ્લાઈટને સંભાળવામાં મદદ કરી હતી. ત્યારબાદ ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવી અને ત્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
https://www.instagram.com/reel/Dd7Gzo7S1RZ/?utm_source=ig_web_button_share_sheet
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે માન્યો આભાર
આ ઘટનાની ચર્ચા હવે ઈઝરાયેલમાં પણ થઈ રહી છે. ઈઝરાયેલની એક ઈન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો આભાર માન્યો છે. વીડિયોમાં તેમણે લોકોને સ્મિત મચ્છરની બહાદુરી વિશે જાણવા અને તેમને યાદ રાખવાની અપીલ કરી છે. તેમણે સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે.
“આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ”
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે તેમની હિંમતને ભૂલી શકાય નહીં. આ ઘટના બાદ ઈઝરાયેલના અધિકારીઓ અને મુસાફરો તરફથી પણ ભારતીય પાયલટની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી છે. ઈઝરાયેલના ભારતમાં રાજદૂત રૂવેન અઝારે પણ સ્મિત મચ્છરના સાહસનું સન્માન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ અને કોકપિટમાં બનેલી ઘટનાનું કારણ જાણવા માટે સંબંધિત એજન્સીઓની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

