માત્ર ચાર દિવસમાં જામીન, તપાસ પર ઊભા થયા સવાલ
અમદાવાદમાં કરોડો રૂપિયાના મ્યૂલ બેન્ક એકાઉન્ટ સાયબર ફ્રોડ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓને માત્ર ચાર દિવસમાં જ જામીન મળી જતાં સમગ્ર કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો કોર્ટે આરોપીઓને ₹15 હજારના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપતાં CID સાયબર ક્રાઈમની તપાસની પદ્ધતિ સામે પણ મહત્વના સવાલો ઊભા થયા છે.
કોર્ટે તપાસમાં દર્શાવી ગંભીર ખામીઓ
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાતીએ નોંધ્યું કે ફરિયાદમાં આર્થિક ગુનાનો ભોગ બનનાર કોણ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ જ નથી. ઉપરાંત, આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં તપાસ દરમિયાન કોઈ નક્કર પુરાવા અથવા મહત્વની માહિતી બહાર આવી નથી. આવી પરિસ્થિતિમાં આરોપીઓને વધુ સમય કસ્ટડીમાં રાખવાનું યોગ્ય ન હોવાનું કોર્ટે માન્યું.
બચાવ પક્ષે શું દલીલ કરી?
આરોપીઓના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પોલીસ પાસે માત્ર શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે અન્ય વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, જ્યારે હાલના આરોપીઓ સામે તપાસ દરમિયાન કોઈ મજબૂત પુરાવા રજૂ થયા નથી. સાથે જ આ ગુનામાં મહત્તમ સજા સાત વર્ષની હોવાથી અને આરોપીઓ કોર્ટની તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી જામીન આપવા વિનંતી કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મ્યૂલ એકાઉન્ટ રેકેટ?
તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ₹324 કરોડથી વધુના મ્યૂલ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ CID સાયબર ક્રાઈમે અમરાઈવાડી વિસ્તારમાં બોગસ ફર્મો બનાવી અન્ય લોકોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડોની હેરફેર થતી હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે પટેલ દીક્ષિત, સુમિત સોની અને નિકુંજ પટેલની ધરપકડ કરીને લેપટોપ, મોબાઈલ, 32 ડેબિટ કાર્ડ અને 8 ચેકબુક કબજે કરી હતી.
મુખ્ય આરોપીઓ હજુ ફરાર
આ કેસમાં ગોવિંદ પટેલ અને ધોળકાનો રાજુભાઈ ઉર્ફે ડેવિલ સહિતના મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, ધરપકડ થયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં જ જામીન મળી જતાં સાયબર ક્રાઈમની તપાસની ગુણવત્તા અને કેસની રજૂઆત અંગે કાનૂની વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

