જૂના ટીનમાં ખાદ્યતેલ ભરાતું હોવાની આશંકા
અમદાવાદના લાંભા વિસ્તારમાં ખાદ્યતેલના રિપેકિંગને લઈને ચોંકાવનારી ગેરરીતિ સામે આવી છે. મમતા એગ્રો પ્રોટીન ખાતે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે તપાસ હાથ ધરતા મોટી સંખ્યામાં જૂના અને વપરાયેલા ખાલી તેલના ટીન મળી આવ્યા હતા. આશરે 300 જેટલા જૂના ટીન મળી આવતા તેનો ફરીથી ખાદ્યતેલના રિપેકિંગમાં ઉપયોગ થતો હોવાની શક્યતાને પગલે વિભાગે કાર્યવાહી કરી છે.
3.94 લાખના 175 ટીન જપ્ત
તપાસ દરમિયાન સ્થળ પરથી 175 ભરેલા એડિબલ ઓઇલના ટીન મળી આવ્યા હતા. આ જથ્થાની અંદાજિત કિંમત 3,93,750 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે આ જથ્થાનું વેચાણ અટકાવી દીધું છે અને યુનિટને સીલ કરવાની કાર્યવાહી કરી છે. સ્થળ પરથી મળેલી લેબલ તથા પેકેજિંગ સામગ્રીને પણ તપાસ હેઠળ લેવામાં આવી છે.
સોયાબીનથી પાલ્મ ઓઈલનું રિપેકિંગ
મમતા એગ્રો પ્રોટીન ખાતે સોયાબીન ઓઇલ, કપાસિયા તેલ અને પાલ્મ ઓઈલ સહિતના એડિબલ ઓઇલનું રિપેકિંગ કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દરમિયાન જૂના અને વપરાયેલા ટીનનો મોટો જથ્થો મળતા તેના ઉપયોગ અંગે ફૂડ વિભાગે ગંભીરતા દાખવી છે. જોકે, આ ટીનમાં અગાઉથી ખાદ્યતેલ ભરાયું હતું કે નહીં અને તેનો વાસ્તવિક ઉપયોગ કેવી રીતે થતો હતો તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
લેબલિંગમાં પણ ગેરરીતિની નોંધ
તેલના લેબલ અને પેકેજિંગની તપાસ દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ વિવિધ ખામીઓ અને અનિયમિતતાઓ જોવા મળી હોવાનું વિભાગે જણાવ્યું છે. FSSAIના નિયમો અનુસાર લેબલિંગ અને પેકેજિંગની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. ખાદ્યતેલના પેકેજિંગ સાથે સંકળાયેલા જરૂરી ધોરણોનું પાલન થયું છે કે નહીં તે પણ તપાસનો મહત્વનો ભાગ છે.
બેચવાઇઝ રેકોર્ડ રજૂ ન થયા
તપાસ દરમિયાન અગાઉ રિપેક કરવામાં આવેલા અને બજારમાં મોકલાયેલા તેલના બેચ, લોટ, સ્ટોક અને ડિસ્પેચના સંપૂર્ણ રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા ન હતા. જેના કારણે રિપેકિંગ માટેનું તેલ ક્યાંથી આવ્યું હતું અને કયા બેચનો જથ્થો કયા વિસ્તારમાં મોકલાયો હતો તેની ટ્રેસેબિલિટી સામે સવાલ ઊભો થયો છે.
સેન્ટ્રલ FSSAI લાઇસન્સ પર પણ તલવાર
મમતા એગ્રો પ્રોટીન પાસે સેન્ટ્રલ FSSAI લાઇસન્સ હોવાથી તપાસમાં સામે આવેલી ગેરરીતિઓ અને સંબંધિત પુરાવા સેન્ટ્રલ લાઇસન્સિંગ ઓથોરિટી/FSSAIને મોકલવામાં આવશે. નિયમોના ભંગની પુષ્ટિ થયા બાદ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સહિતની કાર્યવાહી માટે ભલામણ થઈ શકે છે.

