લાંબા વિરામ બાદ મેઘમહેર
લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો અને ગરમી તથા ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળી. પરંતુ થોડા કલાકોના વરસાદે જ શહેરની વરસાદી વ્યવસ્થાની પોલ ખોલી નાખી. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
રસ્તા બન્યા જળબંબાકાર
શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ. ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયા તો ક્યાંક વાહનો પાણીમાં ફસાઈ ગયા. અનેક વાહનોના પૈડાં પાણીમાં જ જવાબ આપી દેતા વાહનચાલકોએ પોતાના વાહનો હાથેથી ખેંચીને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા.
વરસાદની મજા કે શહેરીજનોની સજા?
એક તરફ લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી લોકોને રાહત મળી છે, તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ મળતો નથી, તેવો સવાલ હવે ફરી ઉઠી રહ્યો છે.
એક ઈંચમાં આ હાલત તો 7-8 ઈંચમાં શું થશે?
મહત્વની વાત એ છે કે માત્ર એકાદ ઈંચ જેટલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ત્યારે જો એકસામટો 7થી 8 ઈંચ વરસાદ ખાબકે તો શહેરની સ્થિતિ શું થશે? વરસાદ પહેલાં આયોજન, ડ્રેનેજ વ્યવસ્થા અને પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ મેદાન પરની સ્થિતિ અલગ જ ચિત્ર રજૂ કરે છે.
દર ચોમાસે એ જ સવાલ
અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા નવી નથી. દર ચોમાસે ભારે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે અને શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે. વારંવારના અહેવાલો અને ફરિયાદો છતાં કાયમી અને આયોજનબદ્ધ ઉકેલના અભાવે વરસાદ ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યો છે.

