AI2379 ફ્લાઈટની તપાસમાં મોટો ખુલાસો
ફુકેતથી દિલ્હી આવી રહેલી Air Indiaની ફ્લાઈટ AI2379માં 4 ઓગસ્ટે થયેલા ગંભીર ટર્બ્યુલન્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. ફ્લાઈટના પાયલટ-ઇન-કમાન્ડનો શરૂઆતનો ડ્રગ સ્ક્રીનિંગ ટેસ્ટ નોન-નેગેટિવ આવ્યા બાદ સેમ્પલને અધિકૃત લેબમાં મોકલવામાં આવ્યું હતું. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ફર્મેટરી ટેસ્ટ પણ મારિજુઆના એટલે કે કેનાબિસ માટે પોઝિટિવ આવ્યો છે.
ઉડાન દરમિયાન અચાનક 300 ફૂટ નીચે આવ્યું વિમાન
4 ઓગસ્ટે Phuketથી Delhi આવી રહેલી Airbus A320 ફ્લાઈટ AI2379ને ઉડાન દરમિયાન અચાનક ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ મુજબ વિમાનની ઊંચાઈમાં આશરે 300 ફૂટનો અચાનક ઘટાડો થયો હતો. આ દરમિયાન સીટબેલ્ટ ન પહેરેલા કેટલાક મુસાફરો કેબિનમાં ઉછળી ગયા હતા. દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ બાદ મુસાફરો અને ક્રૂમાંથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
પહેલા ટેસ્ટમાં જ મળ્યા હતા સંકેત
ઘટના બાદ બંને પાયલટના ફરજિયાત Psychoactive Substance Test કરવામાં આવ્યા હતા. કો-પાયલટનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે પાયલટ-ઇન-કમાન્ડનો પ્રાથમિક ટેસ્ટ નોન-નેગેટિવ આવતા સેમ્પલને વધુ તપાસ માટે નિર્ધારિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. હવે આ કન્ફર્મેટરી ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યાની માહિતી સામે આવી છે.
મારિજુઆના પોઝિટિવ હોવાની માહિતીથી ખળભળાટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, કન્ફર્મેટરી તપાસમાં મારિજુઆના/કેનાબિસની હાજરી પોઝિટિવ મળી છે. આ ખુલાસાએ એરલાઇનના ફ્લાઇટ સેફ્ટી અને ક્રૂ મોનિટરિંગને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. કેટલાક અહેવાલોમાં પાયલટના ફ્લાઇટ દરમિયાન વર્તન અંગે પણ દાવા કરવામાં આવ્યા છે, જોકે આ બાબતોની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે.
ટર્બ્યુલન્સ અને ડ્રગ ટેસ્ટ વચ્ચે સીધો સંબંધ હજુ તપાસનો વિષય
આ મામલે સૌથી મહત્વની બાબત એ છે કે ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવવો અને ફ્લાઈટ દરમિયાન પાયલટ નશાની અસર હેઠળ હતો તે સાબિત થવું એક જ બાબત નથી. પાયલટના ટેસ્ટના પરિણામો અને 300 ફૂટના અચાનક ઊંચાઈ ઘટાડા વચ્ચે કોઈ સીધો સંબંધ હતો કે નહીં તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. Aircraft Accident Investigation Bureauએ પણ અંતિમ નિષ્કર્ષ પહેલાં તમામ પુરાવાની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

