32 દિવસ બાદ ફરી હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લાંબા સંઘર્ષમાં ફરી એકવાર લશ્કરી તણાવ વધી ગયો છે. 32 દિવસ બાદ અમેરિકાએ ઈરાન સામે ફરી હુમલો કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રોકેટ લોન્ચરને અમેરિકન સૈન્યએ નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ હુમલા બાદ ઈરાને પણ અમેરિકાને વળતા પ્રહારની ચેતવણી આપી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ લોન્ચર નિશાન પર
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સના જણાવ્યા અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ અમેરિકન સૈન્યએ કાર્યવાહી કરી હતી. અમેરિકા અગાઉ હોર્મુઝ સ્ટ્રેટના આંતરરાષ્ટ્રીય શિપિંગ લેનને સુરક્ષિત કરવા માટે કામગીરી કરી ચૂક્યું છે.
ઈરાને આપી વળતા પ્રહારની ધમકી
અમેરિકન હુમલા બાદ ઈરાન તરફથી પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે અમેરિકન કાર્યવાહીને ગંભીર ભૂલ ગણાવી અને લશ્કરી તથા આર્થિક પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. ત્યારબાદ અમેરિકન જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
29 જુલાઈ બાદ પ્રથમ મોટો હુમલો
અમેરિકાએ છેલ્લે 29 જુલાઈએ ઈરાન સામે મોટા પાયે હુમલાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ અમેરિકા લશ્કરી કાર્યવાહી કરતાં આર્થિક દબાણની વ્યૂહરચના તરફ આગળ વધ્યું હતું. ઈરાન સાથે વેપાર કરતા દેશો અને સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
યુદ્ધ લાંબું ખેંચાવાની ચિંતા
લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે અમેરિકાના શસ્ત્ર ભંડાર અને લશ્કરી તૈયારીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈરાન સાથેનો તણાવ ફરી વધતાં ગલ્ફ વિસ્તાર અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી શકે છે.

