28 વર્ષ બાદ ફરી ખુલી ફાઇલ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના વંધામા ગામમાં 1998માં થયેલા 23 કાશ્મીરી પંડિતોના હત્યાકાંડની તપાસ ફરી શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે SIAએ લગભગ ત્રણ દાયકા જૂના આ કેસને ફરી તપાસના દાયરામાં લીધો છે. એજન્સી હવે જૂના પુરાવા, રેકોર્ડ અને સંભવિત નવા સુરાગના આધારે હત્યાકાંડમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરશે.

એક જ રાતમાં 23 લોકોની હત્યા

25 જાન્યુઆરી, 1998ની રાત્રે વંધામા ગામમાં હુમલાખોરોએ 23 કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. મૃતકોમાં 9 મહિલાઓ અને 4 બાળકોનો પણ સમાવેશ થતો હતો. આ હુમલો કાશ્મીરમાં આતંકવાદના સૌથી મુશ્કેલ સમયગાળામાં થયો હતો અને ઘટનાએ ખીણમાં રહેલા કાશ્મીરી પંડિત પરિવારોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો.

FIR નંબર 22/1998 નોંધાઈ હતી

હત્યાકાંડના બીજા દિવસે, 26 જાન્યુઆરી, 1998ના રોજ ગાંદરબલ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 22/1998 નોંધવામાં આવી હતી. ઉપલબ્ધ જૂના રેકોર્ડ મુજબ હત્યા, આગચંપી, ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવા તથા હથિયારો સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો હતો. જોકે, તપાસમાં હત્યારાઓની નક્કર ઓળખ થઈ શકી નહોતી અને બાદમાં કેસ Untraced જાહેર કરવામાં આવ્યો હતો.

જૂના રેકોર્ડમાં અનેક કડીઓ

વર્ષો અગાઉની તપાસમાં કેટલાક આતંકી સંગઠનો અને સંભવિત આરોપીઓ અંગે સંકેતો મળ્યાના દાવા થયા હતા. એક જૂના CID રેકોર્ડમાં સફાપોરા એન્કાઉન્ટર બાદ પકડાયેલા એક ઘાયલ આતંકવાદીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં વંધામા હત્યાકાંડમાં હરકત-ઉલ-અંસારના આતંકીઓની સંડોવણી અંગે માહિતી હોવાનો દાવો હતો. જોકે, આ દાવાઓ અંગે બાદમાં કાશ્મીરી પંડિત સંગઠનોએ પણ સવાલો ઉઠાવ્યા હતા.

હવે SIA શોધશે નવા સુરાગ

હવે SIA આ કેસને ફરી ખંગાળી રહી છે. એજન્સીનો વ્યાપક પ્રયાસ કાશ્મીરી પંડિતોની ટાર્ગેટ કિલિંગ સાથે જોડાયેલા લાંબા સમયથી પેન્ડિંગ કેસોને ફરી તપાસવાનો છે. વંધામા ઉપરાંત ટીકા લાલ ટપલૂ અને જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યાના કેસમાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. SIAનું કહેવું છે કે જૂના કેસોને પુરાવાના આધારે તેમના તાર્કિક અંત સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

આર્મી યુનિફોર્મમાં ગામમાં પહોંચ્યા હતા આતંકવાદીઓ

અહેવાલો અનુસાર, ૨૫ જાન્યુઆરીની રાત્રે આતંકવાદીઓ આર્મી યુનિફોર્મ પહેરીને વંધામા ગામમાં પહોંચ્યા હતા. તેઓ કાશ્મીરી પંડિત પરિવારોના ઘરોમાં ઘૂસ્યા અને લોકોને બહાર કાઢ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 મહિલાઓ અને 4 બાળકો સહિત કુલ 23 લોકોનાં મોત થયા હતા.