PM મોદીની ગુજરાત પ્રધાનમંડળ સાથે 2 કલાક બેઠક, સુશાસન અને જનસંપર્ક પર ભાર.

અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Narendra Modi ગુજરાતના પ્રધાનમંડળ સાથે લગભગ બે કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રી, રાજ્યના તમામ મંત્રીઓ, પક્ષના પ્રદેશ પ્રમુખ તેમજ સંગઠન મહામંત્રી હાજર રહ્યા હતા. નવા પ્રધાનમંડળની રચના બાદ વડાપ્રધાન અને સમગ્ર કેબિનેટ વચ્ચેની આ પ્રથમ સીધી બેઠક હતી.

સૂત્રો મુજબ બેઠક દરમિયાન સુશાસન, જનસંપર્ક અને પરિણામલક્ષી કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રીઓને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી અસરકારક રીતે પહોંચે તે માટે વધુ સક્રિય બનવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ લોકો સાથે સતત સંપર્કમાં રહી તેમની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાને સરકારી કામગીરીમાં લોકોની હેરાનગતિ ઓછી થાય, નિર્ણય પ્રક્રિયામાં ઝડપ આવે અને દરેક વિભાગ પરિણામલક્ષી અભિગમ સાથે કામ કરે તેવા સૂચનો આપ્યા હોવાનું સૂત્રો જણાવે છે. સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણની યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા પર પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારા સંકલન પર પણ ભાર મૂકાયો હતો. રાજકીય રીતે નવા મંત્રીઓ માટે આ બેઠક માર્ગદર્શક સાબિત થઈ હોવાનું માનવામાં આવે છે. આગામી સમયગાળા અને ખાસ કરીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારની કામગીરીને વધુ અસરકારક બનાવવાના સંદર્ભમાં પણ આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.