ભારતના રેલવે ઇતિહાસમાં નવો અધ્યાય
ભારતીય રેલવેના ઇતિહાસમાં એક વધુ ઐતિહાસિક ક્ષણ ઉમેરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે હવે ભારત પણ હાઇડ્રોજન ટ્રેન ચલાવનારા વિશ્વના ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયું છે. સાથે જ તેમણે કહ્યું કે જો આજ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વર્ષ 2014 પહેલાં સર્જાઈ હોત તો દેશની રેલવે વ્યવસ્થા ગંભીર અસર હેઠળ આવી હોત.
ચેન્નઈમાં બની દુનિયાની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન
આ ટ્રેનનું નિર્માણ ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. 10 કોચ ધરાવતી આ ટ્રેન 3200 હોર્સ પાવર ક્ષમતા ધરાવે છે અને જીંદ-સોનીપત વચ્ચેના 89 કિલોમીટર રૂટ પર દોડશે. વડાપ્રધાનના જણાવ્યા મુજબ આ ટ્રેન સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવી છે અને દુનિયાની સૌથી શક્તિશાળી તથા સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન ગણાય છે.
પર્યાવરણને મળશે મોટો ફાયદો
હાઇડ્રોજન ટ્રેન સંપૂર્ણપણે ધુમાડારહિત અને ઈકો-ફ્રેન્ડલી છે. આ ટ્રેનમાંથી કાર્બન ઉત્સર્જન ન થવાને કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું નથી. વડાપ્રધાને જણાવ્યું કે 19મી સદીમાં સ્ટીમ એન્જિન, 20મી સદીમાં ડીઝલ અને ઇલેક્ટ્રિક ટ્રેનો હતી, જ્યારે હવે 21મી સદીમાં હાઇડ્રોજન ટ્રેન નવી ઓળખ બનશે.
2014 પહેલાંની સ્થિતિનો કર્યો ઉલ્લેખ
વૈશ્વિક સંઘર્ષ અને ઈંધણ પુરવઠાની સ્થિતિનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે જો આજ જેવી પરિસ્થિતિ વર્ષ 2014 પહેલાં સર્જાઈ હોત તો ડીઝલ પર નિર્ભર ભારતીય રેલવેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિફિકેશન અને આત્મનિર્ભરતા તરફ થયેલા કામને કારણે હવે દેશ વધુ મજબૂત સ્થિતિમાં છે.
રમતગમત ક્ષેત્રે પણ મોટી તૈયારી
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સની યજમાની મેળવવા માટે પણ સક્રિય પ્રયાસ કરી રહ્યું છે. ખેલાડીઓને વિશ્વસ્તરીય સુવિધા આપવા સરકાર સતત કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું.

