ઘણા લોકો માને છે કે જો ફોન 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતો હોય અને તેને 60W જેવા હાઈ વોટેજના ચાર્જરથી ચાર્જ કરવામાં આવે તો બેટરીને નુકસાન થઈ શકે છે. પરંતુ હકીકત એવી નથી. આધુનિક સ્માર્ટફોનમાં એવી ટેક્નોલોજી આપવામાં આવે છે જે ચાર્જિંગ દરમિયાન જરૂરી પાવરનું નિયંત્રણ પોતે જ કરે છે.
સ્માર્ટફોન ચાર્જરમાંથી પોતાની જરૂરિયાત મુજબ જ વીજશક્તિ લે છે. એટલે કે, જો ફોનની મહત્તમ ચાર્જિંગ ક્ષમતા 18W હોય તો 60Wના ચાર્જર સાથે જોડ્યા પછી પણ ફોન લગભગ 18W જેટલી જ પાવર સ્વીકારશે. એટલે માત્ર ચાર્જરનું વધુ વોટેજ હોવાને કારણે બેટરી પર વધારાનો ભાર પડતો નથી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો ચાર્જર ગુણવત્તાસભર હોય અને ફોન સાથેના ચાર્જિંગ સ્ટાન્ડર્ડ તેમજ વોલ્ટેજ સુસંગત હોય, તો હાઈ વોટેજનો ચાર્જર વાપરવો સામાન્ય રીતે સુરક્ષિત ગણાય છે. વધુ વોટેજનો અર્થ માત્ર એટલો જ છે કે ચાર્જર જરૂર પડ્યે વધુ પાવર પૂરી પાડી શકે છે.
જોકે, સસ્તા અથવા નકલી ચાર્જરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. હંમેશા પ્રમાણિત (Certified) અને વિશ્વસનીય બ્રાન્ડના ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનની બેટરી તેમજ ચાર્જિંગ સિસ્ટમ બંને સુરક્ષિત રહે છે.

