EPFO 3.0થી નિવૃત્તિ સુરક્ષામાં મોટો ફેરફાર

દેશના કરોડો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર મોટી રાહત લાવવાની તૈયારીમાં છે. EPFO 3.0 હેઠળ નવી પેન્શન યોજના લાવવાનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે, જેનો હેતુ અત્યાર સુધી કર્મચારી પેન્શન યોજના (EPS)ની બહાર રહેલા લાખો-કરોડો કામદારોને નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા આપવાનો છે. જોકે, આ યોજના અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ કર્મચારીઓને મળી શકે સૌથી મોટો લાભ

પ્રસ્તાવિત યોજનામાં ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ તેમજ રૂ. 15,000થી વધુ પગાર ધરાવતા ખાનગી કર્મચારીઓને સામેલ કરવાનો વિચાર છે. સાથે જ EPFOના ડિજિટલ પ્લેટફોર્મને વધુ આધુનિક બનાવી તેને કોર બેંકિંગ સોલ્યુશન (CBS) સાથે જોડવાની યોજના છે, જેથી સભ્યોને વધુ ઝડપી અને સરળ સેવાઓ મળી શકે.

60 વર્ષે મળશે માસિક પેન્શન, 55 વર્ષે ખાસ વિકલ્પ

નવી વ્યવસ્થા મુજબ દરેક સભ્યનું અલગ ડિજિટલ પેન્શન ખાતું હશે, જેમાં કર્મચારી, નોકરીદાતા અને સરકારનું યોગદાન જમા થશે. આ નાણાં સુરક્ષિત સરકારી રોકાણ યોજનાઓમાં રોકાશે. 60 વર્ષની ઉંમરે સભ્યની જમા રકમને તે સમયના વ્યાજદર મુજબ માસિક પેન્શનમાં ફેરવવામાં આવશે. ઉપરાંત, 55 વર્ષની ઉંમરે સભ્યોને પોતાની બચત કેવી રીતે ઉપયોગમાં લેવી તે અંગે પસંદગીનો વિકલ્પ મળશે. તેઓ ઇચ્છે તો સંપૂર્ણ રકમ પેન્શનમાં ફેરવી શકે અથવા SWP (Systematic Withdrawal Plan) દ્વારા દર મહિને જરૂર મુજબ નાણાં ઉપાડી શકે.

સ્માર્ટ ડેશબોર્ડ અને પરિવાર માટે પણ સુરક્ષા

પ્રસ્તાવિત યોજનામાં એક સ્માર્ટ ડિજિટલ ડેશબોર્ડ પણ આપવામાં આવશે, જ્યાં સભ્યો પોતાનું કુલ યોગદાન અને નિવૃત્તિ બાદ મળનારી અંદાજિત પેન્શનની માહિતી જોઈ શકશે. આ ઉપરાંત, સભ્યના અવસાન બાદ તેમના પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે 'ફેમિલી બેનિફિટ ફંડ' બનાવવાનો પણ વિચાર છે. આ યોજના NPS કરતાં વધુ લવચીક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કરોડો અસંગઠિત કામદારોને મળશે લાભ

ભારતમાં અંદાજે 41.8 કરોડ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ પાસે નિયમિત પેન્શન વ્યવસ્થા નથી. સોશિયલ સિક્યોરિટી કોડ, 2020 હેઠળ ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષામાં સામેલ કરવામાં આવ્યા બાદ હવે આ નવી યોજના તેમને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા આપવા માટે મહત્વપૂર્ણ પગલું બની શકે છે. જોકે, હાલ આ સમગ્ર યોજના માત્ર વિચારાધીન પ્રસ્તાવ છે અને સરકાર તરફથી અંતિમ મંજૂરી તથા સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

WhatsApp Image 2026-07-18 at 1.07.37 AM.jpeg

Explain Section (સરળ ભાષામાં)

EPFO 3.0 શું છે?
કેન્દ્ર સરકાર EPFOને વધુ આધુનિક બનાવવાની તૈયારી કરી રહી છે.

કોને ફાયદો થશે?

  • ડિલિવરી બોય

  • કેબ/ઓટો ડ્રાઇવર્સ

  • ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ

  • અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ

  • રૂ.15,000થી વધુ પગાર ધરાવતા ખાનગી કર્મચારીઓ

મુખ્ય ફાયદા

  • અલગ ડિજિટલ પેન્શન એકાઉન્ટ

  • 60 વર્ષે માસિક પેન્શન

  • 55 વર્ષે SWPનો વિકલ્પ

  • સ્માર્ટ ડિજિટલ ડેશબોર્ડ

  • પરિવાર માટે ફેમિલી બેનિફિટ ફંડનો પ્રસ્તાવ

નોંધ: આ યોજના અંગે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.