ગુજરાતમાં AI માટે ₹100 કરોડની મોટી પહેલ

ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મોટો કરાર કર્યો છે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Automation Anywhere સાથે 10 વર્ષ માટે MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી હેઠળ કંપની આગામી 10 વર્ષમાં આશરે ₹100 કરોડની નાણાકીય મદદ આપશે, જેનો ઉપયોગ AI ટ્રેનિંગ, ક્ષમતાવર્ધન અને નવી ટેક્નોલોજી આધારિત પહેલો માટે કરવામાં આવશે.

વિદ્યાર્થીઓથી સ્ટાર્ટઅપ્સ સુધી AI ટ્રેનિંગ

આ કરારનો સૌથી મોટો ફાયદો વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ તથા શૈક્ષણિક સંસ્થાઓને થશે. AI અને Machine Learning અંગે જાગૃતિ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ સેશન, વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બૂટ કેમ્પ અને સર્ટિફિકેશન કોર્સ યોજાશે.

10 વર્ષમાં ₹100 કરોડની મદદ

Automation Anywhere તરફથી આગામી 10 વર્ષમાં આશરે ₹100 કરોડની નાણાકીય મદદ આપવામાં આવશે. AI, ML અને Emerging Technology સંબંધિત કાર્યક્રમો માટે ટ્રેનર્સ, Subject Matter Experts અને Mentorsનો સહયોગ પણ કંપની આપશે. આ ઉપરાંત ટ્રેનિંગ માટે કરિક્યુલમ, લર્નિંગ મટિરિયલ અને સર્ટિફિકેશન ફ્રેમવર્ક પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિદ્યાર્થીઓને મળશે પ્રેક્ટિકલ અનુભવ

માત્ર થિયરી આધારિત ટ્રેનિંગ નહીં, પરંતુ ટ્રેનિંગ લેનારાઓને Automation Anywhereના No-Code/Low-Code Automation Success Platformની Community Editionનો ઍક્સેસ પણ આપવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ અને અન્ય તાલીમાર્થીઓને ઓટોમેશન ટેક્નોલોજી સાથે પ્રેક્ટિકલ રીતે કામ કરવાની તક મળશે.

ગુજરાતના AI Ecosystemને મળશે વેગ

ગુજરાત સરકારનું માનવું છે કે આ ભાગીદારીથી સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનું સહયોગ વધુ મજબૂત બનશે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ આ કાર્યક્રમોના અમલીકરણ માટે વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, ઉદ્યોગ સંગઠનો અને સ્ટાર્ટઅપ્સ સાથે સંકલન કરશે.

ગુજરાતમાં AI સ્કિલ્સ પર ફોકસ

આ પહેલથી ગુજરાતમાં AI અને Automation ક્ષેત્રે જરૂરી કુશળતા વિકસાવવાનો પ્રયાસ થશે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી સાથે જોડીને રોજગાર અને સ્ટાર્ટઅપની નવી તકો ઊભી કરવાનો માર્ગ ખુલી શકે છે. ₹100 કરોડની આ 10 વર્ષની ભાગીદારી ગુજરાતના AI Ecosystem માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.