શ્રાવણમાં આસ્થાને ઠેસ
પવિત્ર શ્રાવણ માસ અને ત્રીજા સોમવારના દિવસે ડાંગના ગારખડી ગામે આવેલા સીતાવનમાં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ ખંડિત થયાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માગ સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે.
મૂર્તિઓ ખંડિત થતાં આક્રોશ
સીતાવનમાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવતા હિંદુ સંગઠનો અને સ્થાનિક આગેવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાના વિરોધમાં જિલ્લા બિરસામુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ પોલીસ સમક્ષ આરોપીઓને ઝડપી લેવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી.
પોલીસ તપાસ તેજ
ઘટનાને લઈને ડાંગ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ સ્થાનિક લોકોના નિવેદન લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સાથે જ ખંડિત થયેલી મૂર્તિઓને FSL તપાસ માટે મોકલવામાં આવી છે, જેથી ઘટનાને લગતા પુરાવા એકત્ર કરી શકાય.
SPએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ
વિરોધ રેલી બાદ ડાંગ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલ પોલીસ ઘટનાને અંજામ આપનાર શખ્સોની શોધખોળ કરી રહી છે.
કોણે કર્યું? તપાસ બાદ જ ખુલાસો
ઘટનાને પગલે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ કૃત્ય પાછળ કોનો હાથ છે, કોઈ કાવતરું હતું કે નહીં અથવા તેનો કોઈ ચોક્કસ હેતુ હતો કે નહીં તે અંગે હાલ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું છે. પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે. હાલ મુખ્ય સવાલ એ છે કે ધાર્મિક સ્થળ પર મૂર્તિઓને નુકસાન પહોંચાડનાર કોણ છે?

